14 લાખના ખર્ચે જમ્બો ખેત તલાવડી બનાવી, 10 વિઘામાં દોઢ વર્ષ સુધી પિયત થઈ શકશે

ગુજરાતના એક ખેડૂતે કમાલ કરી દેખાડી છે. ખૂબ જ વિકટ સ્થિતિમાં પણ ગુજરાતના એક ખેડૂતે જાતે રસ્તો શોધ્યો છે. વાત એમ છે કે બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના ખેતરમાં 14 લાખના રૂપિયા ખર્ચે જમ્બો તલાવડી બનાવી છે. આવડી મોટી તલાવડી તમે ક્યાંય નહીં જોઈ હોય. આ ખેત તલાવડીમાં 56 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે અને 10 વીઘા જમીનમાં દોઢ વર્ષ ચાલે એટલું મીઠું પાણી મળશે. પાકને 40 વખત પિયત કરી શકાશે.
બનાસકાંઠામાં દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે, ત્યારે એક જાગૃત ખેડૂતે સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી આ પાણીથી ખેતી કરી શકાય તે માટે સ્વખર્ચે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
આ જબરદસ્ત કામલ ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂત અણદાભાઇ નરેગજી જાટ (ચૌધરી) એ કરી દેખાડી છે. અણદાભાઇ પ્રાથમિક શાળાના શિક્ષકની સાથે ખેતી પણ કરે છે. ખેત તલાવડીને વિશેષતા જણાવતા અણદાભાઇ જાટે કહ્યું હતું કે અડધા વીઘા જમીનમાં 110 ફૂટ લાંબી 110 ફૂટ પહોળી અને 32 ફુટ ઊંડી પાકી ખેતતલાવડી તૈયાર કરાઇ છે.
અણદાભાઈએ જણઆવ્યું હતું કે અમારો ડીસા પંછક દિવસે દિવસે પાણીના તળ બાબતે કંગાળ થઈ રહ્યો છે. બોરના તળ સતત ઊંડા થઈ રહ્યા છે. આજે ખેડૂતો 1200 ફૂટ તળે પહોંચ્યા છે. ત્યાંથી મળતું પાણી ક્ષારવાળું અને ગરમ હોય છે. જે ખેતી માટે બહુ ઉપોયગ નથી હોતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડીસા પંથકને વેરાન થતો અટકાવવા માટે ખુદ ખેડૂતે જાગવું પડશે. મારી જમીનમાંથી એક મોટો વોંકળો નીકળે છે. એ વોંકળાને ધ્યાને લઈ બે જેસીબી અને 15 મજૂરોની સતત કામગીરીથઈ 110 ફુટ બાય 110 ફૂટ અને 32 ફુટ ઉંડી તલાવડી બનાવી છે.
આ તલાવડીમાં સીમ્ફોલી પ્લાસ્ટીક કંપની પાસેથી સ્પેશ્યલ ઓર્ડરથી જરૂરિયાત મુજબની સાઈઝનું 200 માઈક્રોન પ્લાસ્ટીક મંગાવીને તળિયે અને સાઈડમાં પાથર્યું છે. આ પ્લાસ્ટિક પાછળ 1.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ પ્લાસ્ટીક ઉપર એક થર લાલ ઈંટોનો માર્યો છે. હવે આ આ લાલ ઈંટો પર રેતી-સિમેન્ટ-કોંક્રીટથી પ્લાસ્ટર કરવામાં આવશે. આ ખેત તલાવડીની ફરતે ફન્સિંગ પણ કરે છે. જેથી રાત્ર રખડતા રોઝ કે ભુંડ એમાં પડે નહીં. આ સાથે વધારાના પાણીનું ઓવરફ્લો થઈને એક જૂના બોરને રિચાર્જ પણ કરવાનું આયોજન છે.
નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે, અને તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે સામાન્ય નુકસાન થતાં કે ખેત પેદાશોના ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે, પરંતુ શેરપુરા ગામના અણદાભાઈ જાટ જેવા પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર બનાવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે જ પોતાના સુઝબૂઝથી અનોખો પ્રયાસ કર્યો છે.
અણદાભાઈનું આ ભગીરથ અને અનોખું કાર્ય આવનાર સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.