કેસર કેરી ખાતા પહેલા જાણો કેસર કેરીનો કેસરિયાળો ઇતિહાસ..

કેસર કેરી ખાતા પહેલા જાણો કેસર કેરીનો કેસરિયાળો ઇતિહાસ..
જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાના વખતમાં ‘સાલેભાઈની આંબડી’ તરીકે ઓળખાતી કેરી મહાબતખાન-ત્રીજાના વખતમાં કેવી રીતે ‘કેસર’ બની એની કહાની, કેસર કેરી જેવી જ રસાળ છે. કેસર કેરીનાં મૂળ(એટલે કે કલમો) નવાબી કાળમાં નખાયાં હતાં. આપણને કેસર કેરીનો સ્વાદ દાઢે વળગ્યો છે, એના બદલ જૂનાગઢના નવાબનો આભાર માનવો જ રહ્યો. વર્ષ 1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે.
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં થયેલી 185 નંબરની અરજીમાં કેસર કેરીનો ઇતિહાસ આ રીતે આલેખાયો હતો. 1851થી 1882 સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન-બીજાનું શાસન હતું, એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં રહેતા હતા. તેમણે પોતાના બગીચામાં રાબેતા મુજબની કેરીઓ કરતાં મોટા કદની કેરીઓ જોઈ. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો. સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ સ્વાદિષ્ટ લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી.
નવાબે તેના દરબારીઓ સાથે આ કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી. ત્યારે સૌપ્રથમ જૂનાગઢના નવાબ મહાબતખાન-બીજા દ્વારા તેને સરાહના મળી હતી. તેમણે એ કેરીને “સાલેભાઈની આંબડી” એવું નામ આપ્યું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી. 1887 થી 1909 દરમિયાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું. ટૂંકમાં, નવાબ મહાબતખાન-બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે ‘કેસર’ તરીકે નહીં પણ ‘સાલેભાઈની આંબડી’ તરીકે જ પ્રચલિત હતી.
મહાબત ખાન-બીજાના વખતમાં મશહુર થયેલી સાલેભાઈની આંબડીની સોડમ મહાબત ખાન-ત્રીજાના વખતમાં વધુ વિસ્તરી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે 1920 થી 1947 દરમિયાન એ.એસ.કે. આયંગર સાહેબ જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ હતા. તેમણે સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને “કેસર” નામ આપ્યું.
તેમણે કેસરની વિવિધ જાતોને ગિરનારની તળેટીમાં દુધેશ્વર ખાતેના આંબાવનમાં ઉછેરી. જૂનાગઢના સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ તેમણે કેસરની કલમો ઉછેરી. તેમણે ઉછેરેલી કેસરની વિવિધ જાતો કાઠિયાવાડના વિવિધ રજવાડાઓને પણ પસંદ પડી. એ પછી કાઠિયાવાડમાં વિવિધ રજવાડાઓએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના એસોસિયેટ ડિરેક્ટર ઇસ્માઇલ ધૃત જણાવે છે કે,”કેરીને “કેસર” એવું નામ મહાબત ખાન-ત્રીજાએ આપ્યું હતું. 25, મે, 1934ના રોજ જૂનાગઢ નવાબે લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને “કેસર” નામ આપ્યું હતું. જૂનાગઢ નવાબને કેરી 25 મેના રોજ ભોજનમાં પિરસાઈ હતી.
વધુમાં ઈસ્માઈલ ધૃતએ કહ્યું કે,”સાલેભાઈની વાડી વંથલીમાં હતી. કેસર કેરી સૌપ્રથમ ત્યાં જોવા મળી હતી. સાલેભાઈ માંગરોળના શેખ હુસેન મિયાંના મિત્ર હતા. સાલેભાઈએ શેખ હુસેન મિયાંને કેરી આપી હતી. હુસેન મિયાંને પણ એ કેરીનો સ્વાદ ખૂબ પસંદ પડ્યો હતો. હુસેન મિયાં દ્વારા જ એ કેરીની વિગત જૂનાગઢના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ એ.એસ.કે. આયંગર સાહેબ પાસે પહોંચી હતી. ત્યાર પછી આયંગરસાહેબ 25 કલમો વંથલીથી લાવ્યા હતા અને જૂનાગઢના તળેટી વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું. ત્રણેક વર્ષ પછી એટલે કે 1934માં જે ફાલ ઉતર્યો તે કેરી મહાબતખાન-ત્રીજાને પીરસાઈ હતી. તેનો કેસરીયાળો રંગ તેમજ કેસરની જેમ ઊઘડતી મબલખ સુગંધ જોઈને નવાબે તેને “કેસર” નામ આપ્યું હતું.”
કેસર કેરીની માંગ એવી છે કે, સૌરાષ્ટ્રમાં તો કેરી એટલે “કેસર” એવું જ કહેવાય છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકસમયે કેરીની સો જેટલી જાતનું ઉત્પાદન થતું હતું. હવે મોટેભાગે ખેડૂતો કેસરનું જ ઉત્પાદન વધુ લે છે. કેસર કેરીની ઉત્પાદન પદ્ધતિમાં પણ અવનવા પ્રયોગો થવા માંડ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અનુસાર પણ ખેડૂતો કેસરનો પાક લેવા માંડ્યા છે. કેસર કેરીનું વાવેતર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાના ગામોમાં થાય છે.