આ પોસ્ટ વાંચીને તમને તમારા ગામડાનું બાળપણ યાદ આવી જશે.- જરુર વાંચજો

Sharing post

બચપણ – અતીત નો વૈભવ

મારા પિતાજીની નોકરી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે, આથી મારું બચપણ પણ આજ ગામ માં ગયું. ગામ ઘણું મોટું પણ મોટા ભાગ ની વસ્તી પટેલોની અને એ પણ મોટા ભાગે ખેતી કરતા એ સમયે , એટલે પૂરેપૂરું ગામઠી વાતાવરણ. મારા બધા મિત્રો પણ ખેડૂત ના જ છોકરાઓ, આથી બચપણ જો વનવગડા હારે ના વીત્યું હોય તો જ નવાઈ લાગે. ગામ મોટું હોવાથી ગામ માં કન્યા અને કુમાર એમ બે પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા. આ સમયે ભણવું ઓછું ને રખડવું વધુ એવું હતું, ટીવી હજુ આવ્યા ના હતા, આથી છોકરાઓને સમય પસાર કરવા માટે નું મુખ્ય સાધન એટલે દુનિયાભર ની રમતો. અમને એવું ક્યારેય લાગ્યું નથી કે કંટાળો આવ્યો હોય, એક ના ગમે તો બીજી પાંચ રમતો અને એના ખેલૈયાઓ હાજર જ હોય.

ભણવાનું ફક્ત અને ફક્ત નિશાળે વર્ગ માં હોય ત્યારે જ, બાકી નો સમય, દરેક બાળક એકદમ હળવુંફૂલ હોય. અમારી સ્કૂલ એ ગોંડલના લોકપ્રિય રાજા ભગાબાપુએ બંધાવેલ કાળા પથ્થરની બનેલી, દસ મોટા ઓરડા, મોટો બધો પ્રાર્થનાહોલ (with false ceiling ), નાની મોટી વસ્તુઓ રાખવા અને પીવા ના પાણી માટે ચાર નાની ઓરડીઓ તથા બે વિશાળ મેદાન. અમારી સ્કૂલ ગામ ને છેવાળે આવેલ, એના વર્ગો ખુબ મોટા હતા અને સાગના લાકડાના બનેલા મોટા મોટા બારણાઓ તથા બારીઓ, અમે બારણું ઓછું ને બારીઓ વધુ વાપરતા આવવા જવા માટે. શાળા પુરેપુરી હવા ઉજાસ વાળી, એના મેદાનમાં આવેલા વડના ઝાડ એ અમારી પ્રિય જગ્યા. ચાલુ સ્કૂલે ભર ઉનાળે, આ વડ ના શીતળ છાંયે, ઘણી વાર શિક્ષકો વર્ગ લેતા, તો રીશેષ માં અમે એની નીચે રમતો રમતા, તો રજાઓમાં આજ વડલાઓ ઉપર આંબલી પીપળી ની રમતો જામતી. અમે પણ બીજા બાળકોની જેમ અમારા શિક્ષકો થી ડરતા પણ સાથે સાથે એમના હુલામણા નામ પાડવાનું પણ ના ચુકતા, દરેક શિક્ષકનું એક હુલામણું નામ હોય એ દરેક બાળક જાણતું હોય. એ સમયના શિક્ષકો વિદ્યાર્થી ના સર્વાંગી ઘડતર ઉપર વધુ ધ્યાન આપતા. ઉનાળા ના વેકેશનમાં અમારો વધુ સમય શાળાએ જઈ થપ્પો,મોઇ દાંડિયો કે આંબલી પીપળી કે બેટ દડો જેવી રમતો રમવામાં જતો.

આ સમયે રમાતી રમતો માં બાકસ ની છાપો, ઠેરીઓ, મોઇ દાંડિયો, ગરિયો જારી, બેટ દડો, આંબીલાની રમતો, થપ્પો, લાકડુ લોઢું, સતોડિયું, ચોમાસા માં ખીલા ખુતામણી તો દિવાળી પછી પતંગ વગેરે વગેરે. દરેક રમત ની એક મોસમ આવે, બાકસ ની છાપો માટે છોકરાઓ ગામ ના કોઈ ઉકરડા કે કોઈ જગ્યા બાકી નહિ રાખતા હોય છાપો ગોતવા માટે, દરેક છાપો ના પણ શેર બઝાર ની જેમ અલગ અલગ ભાવ હોય અને એ બદલાતા રહે, એની રમત રમવા માટે આઠ દસ છોકરાઓ ભેગા થઇ રમતા, એ રમત જામી હોય ત્યારે કોઈને પાણી પીવાનું કે ઘરે જમવા જવાનું પણ યાદ ના રહે, ઘરેથી કોઈ જમવા બોલવા આવે ત્યારે બધા છુટા પડતા. આનાથી પણ વધુ મજા ઠેરીઓ ની રમત માં આવતી, આ રમત તો એક જુગાર જ થઇ પડતી, કારણ કે ઘરેથી બિસ્કિટ પીપરમેન્ટ લેવા માટે આપેલા પૈસા ઠેરીઓ ખરીદવામાં વપરાઈ જતા, આ રમત માં જે ખેલાડી અઠંગ હોય એ ઘણો મોટો દલ્લો મેળવી લેતો એવું લાગતું ત્યારે. સવારે ખરીદેલો માલ બપોર સુધી માં તો લખોટી ની અલગ અલગ રમત માં હારી જવાતો, પણ એ રમત ની મોજ આજે પણ એટલી જ આનંદ આપનારી લાગે. રમતમાંથી ઉભા થયેલ ઝગડાઓ, દોસ્તો વચ્ચેના અબોલા, બીજા મિત્રો દ્વારા કરાવેલા સમાધાન એ જિંદગી માં આવનારા યુવાની ના સમયના પાઠ હતા, વહેવાર કે સબંધ કેમ રાખવો એ બચપણ ની રમતો અને ઉભા થતા ક્ષણિક ઝગડાઓ અને એનું સમાધાન એજ તો જિંદગી નું સાચું ઘડતર હતું.

લખોટી ની સીઝન પુરી થાય એટલે ભમરડા, રંગ બેરંગી ભમરડા ગામ ની દુકાનો માં આવી પડતા તો ઘણા ઘરે પડેલ સાગ કે સીસમ ના લાકડા માંથી ગામના સુથાર પાસે ભમરડા બનાવડાવી રમતના મેદાને ઉતારતા, દરેક શેરી માં આવી રમતો રમવા માટેની જગ્યાઓ નક્કી હોય, એમ અમારી શેરી માં પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરની પાછળ આવેલ ખાંચો એ બાકસની છાપો, ઠેરીઓ, ભમરડા વગેરે રમવાની જગ્યા હતી. આ રમત માં એક કુંડાળું બનાવી બધાએ વારા ફરતી પોતાનો ગરિયો આ કુંડાળા ની આજુ બાજુ ફેરવવાનો રહેતો, જે ગરિયો નો ફેરવી શકે એ બધાએ પોતપોતાના ગરિયા કુંડાળા ની અંદર મુકવાના, હવે દાવ લેવાનો વારો આવે, જેનો ગરિયો પહેલા ફરી ચુક્યો હોય, એ કુંડાળા માં મુકેલા ગરિયા ઉપર પુરી તાકાતથી પોતાનો ગરિયો દોરી દ્વારા ફેંકીને ગરીયા ને નુકસાન કરવાની કોશિશ કરે, આનાથી કુંડાળા માં રહેલા ગરિયાને ફેંકેલા ગરિયાની આર વાગે અને નુકસાન થાય, બીજી એક સરત પ્રમાણે જેનો ગરિયો નો ફર્યો હોય એના ગરીયા ને નીચી મૂકી ને બીજા છોકરાઓ પોતાના હાથથી હારેલ મિત્ર નો ગરિયો નીચે જમીન ઉપર રાખીને પાંચ વખત પોતાના ગરીયા ની અણીદાર આર મારે આથી ગરીયા ને નુકસાન પહોંચાડી શકાય અને આમ કરતા કરતા ઘણી વાર ગરિયો તૂટી જાય, એ જીત મેળવ્યા નો નિર્દોસ આનંદ લેવાતો.મોટાભાગે સુથાર પાસે બનાવડાવેલ સીસમ ના ગરીયા ટકી જતા જયારે બજાર માંથી ખરીદેલા રૂપાલા ગરીયા વહેલા થાકી જતા.

આવી જ એક રમત જામતી ઉનાળા ના દિવસો માં, અમારી શેરી ની બાજુની ખાતરા શેરીથી આગળ આવેલ ગામની ભાગોળ ની જગ્યાએ બપોર પછી બે ત્રણ શેરી ના છોકરાઓ ભેગા થઇને મોઇ દાંડિયા (ગિલ્લી ડંડો ) ની રમત જમાવતા, જે અંધારું થાય ત્યાં સુધી રમાતી. આ રમત રમાતી હોય ત્યારે જેટલા રમતા હોય એટલા જ છોકરાઓ રમત જોવા માટે ભેગા થયા હોય, મોઇ દાંડિયા ઉપર લાગે કે ફટકારેલ મોઇ સામે ઝીલાઈ જાય એટલે આખું વાતાવરણ ચિચિયારીઓ થી ગુંજી ઉઠતું. આવા સમયે જો ચોમાશુ ખેંચાય અને દુષ્કાળ ના ડાકલા વાગવા માંડે, તો ગામના વડીલો મોઇ દાંડિયો બંધ કરાવી ગરીયે રમવાની સૂચના આપતા અને કહેતા કે “ગરીયા ની આર ને વરસાદ ની ધાર ” આથી છોકરાઓ પણ રમત બદલતા. આ કહેવા પાછળ એમનો આશય છોકરાઓને મોઇ દાંડિયાની રમતથી જે મોઇ વાગવાના કિસ્સા બનતા એ અટકાવવા માટે નો રહેતો.

સારો વરસાદ થાય, ભીની માટી ની સુગંધ આવવા લાગે એટલે આવે ખિલ્લા ખુતામણી, આ રમત ઘણી અઘરી હતી કારણ કે જે કુંડાળા માં ખીલ્લો ના ખુચાડી શકે એણે દાવ આપવાનો રહેતો. આ રમત માં દાવ આપનાર શિવાય ના દરેક ખેલાડીએ વારાફરતી ખીલ્લો ખુંચાડતા ખુંચાડતા ચાલતા રહેવાનું રહેતું, એક નો ખીલ્લો જયારે ના ખૂંચે ત્યારે બીજા નો વારો આવે, આમ દરેક સભ્ય ના વારા દ્વારા ખીલ્લો ખુંચાડતા ખુંચાડતા એકાદ કીમી કે તેથી વધુ દૂર નીકળી જતા, હવે જ્યાં છેલ્લા ખેલાડી નો વારો પૂરો થાય, ત્યાંથી દાવ દેનાર ખેલાડી એ લંગડી ભરી ને ચાલતા ચાલતા મૂળ જગ્યાએ આવવાનું, આમાં ભાગી ને પણ આવી શકાય પણ જો બન્ને પગ જમીન પર હોય તો ટીમ ના બાકી ના સભ્યો પુરી તાકાતથી શરીર ના પાછળ ના ભાગે ધુમ્બા મારે, આમ ભાગતા, માર ખાતા અને લંગડી ભરતા એ પોતાનો દાવ આપે, હવે જેણે બચપણ માં આવા માર ખાધા હોય એ જિંદગીના માર પણ હસતા હસતા સહન કરી જ લ્યે, એમાં કોઈ નવાઈ ના લાગે.

ઉનાળો શરુ થતા વાર્ષિક પરીક્ષાઓ નજીક આવતી, હવે સારી રીતે પાસ થવા માટે થોડું વાંચવું જરૂરી હોય, એ પણ ઘરે તો નહિ જ વાંચવાનું, કા ગામ ને છેવાડે આવેલ બાવનપતિ બાગ માં અથવા તો ગામ થી દૂર આવેલ વર્ષો થી બંધ એવા જુના રેલવે સ્ટેશનના ખંઢેરોમાં કુદરતના ખોળે. આ સ્ટેશન સાથે ભૂત કથાઓ પણ જોડાયેલી હતી, એટલે અહીં દિવસના ભાગે પણ કોઈ એક જગ્યાએ એકલા બેસીને વાંચતા ડર લાગતો અને સાથે આવેલા મિત્રો પણ અલગ અલગ અવાજ કાઢીને એકબીજા ને ડરાવાની કોશિશ કરતા. પરીક્ષાઓ પતે એટલે ઉનાળુ વેકેશન એ મોજ કરવાનો સમય, બપોરે બધા સુઈ ગયા હોય ત્યારે એકાદ મિત્ર ઈશારા રૂપે સીટી વગાડે એટલે ધીમે ધીમે બધા ટુવાલ અથવા પનિયું લઇ ને બહાર આવે, ગામ ની ભાગોળે આવેલ પંચાયતના ટાંકા ના નળ નીચે મિત્રો સાથે ન્હાઈ ને બાવનપતિ બાગ માં રોંઢા સુધી અલગ અલગ રમતો રમવાની.

આવી તો અનેક મજા હતી જેમ કે નદી, ઓરિયા અને પાણાખાણ માં ન્હાવા જવું, પૈડાં લઈને વાડીઓના માર્ગે દૂર સુધી દોડતા જવું, પથ્થર ના રોલ ફેરવવા, લોખંડ ની રિંગ ને સળિયા ના હાથાથી ફેરવતા ફેરવતા દૂર સુધી દોડવું, ચોમાસા માં વાડીઓ માં બોર વીણવા જવું, પાકા ચીભડાં ખાવા, હાથલિયા થોર ના ડીંડવા ઉતારવા, એની ઉપર ની જીણી ફાંસ સાચવીને કાઢવી, શિયાળા માં વાડીયે જીંજરા ખાવા જવું, સાઇકલ માં ત્રણ સવારી જવું અને હજુ બાકી હોય તેમ રાત્રે જમી ને અડ્ડે ભેગા થવા નું, દુનિયાભરની વાતો અને ગપ્પા મોડે સુધી ચાલે.

આ રમતો, આ મજા, આજની ગામડાની નવી પેઢી પણ હવે નહિ લેતી હોય એ મને ખાતરી છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!