વડાપ્રધાને કોવીડ -19 માં ‘મન કી બાત’ કાર્યક્રમમાં નેત્રાની આ હૃદયભાવનાને બિરદાવી-Nethra

વડાપ્રધાને કોવીડ -19 માં ‘મન કી બાત’ કાર્યક્રમમાં નેત્રાની આ હૃદયભાવનાને બિરદાવી
તામિલનાડુના મદુરાઈમાં હેર કટિંગ સલૂન ચલાવતા સી.મોહનને ત્યાં 13 વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો. દંપતીએ દીકરીનું નામ રાખ્યું ‘નેત્રા’. સી.મોહનનું સપનું હતું કે નેત્રાને ખૂબ ભણાવવી છે અને કલેકટર બનાવવી છે. દીકરીના અભ્યાસ માટે સી.મોહન ઓવરટાઈમ કામ કરીને પણ બચત કરે જેથી દીકરીને આગળના અભ્યાસ માટે ક્યારેય રૂપિયાની ખેંચ ન પડે.13 વર્ષમાં સી. મોહને રાત-દિવસની મહેનતથી વાળ કાપવાનું કામ કરીને 5લાખ જેવી બચત કરી.
નેત્રા પણ સમજુ અને ડાહી દીકરી હતી એટલે પિતાનું સપનું પૂરું કરવા દિલ દઈને અભ્યાસ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન આવ્યું. નેત્રા જે વિસ્તારમાં રહેતી હતી એની આસપાસના વિસ્તારમાં રહેતા અને રોજે રોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારો લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયા. એ લોકોને ખાવાના પણ સાંસા પડતા હતા.
8માં ધોરણમાં અભ્યાસ કરતી નેત્રાએ એકદિવસ એના પિતાને પૂછ્યું, ‘પપ્પા, મને આઈએએસ બનાવવા તમે કેટલી બચત કરી છે ?’ પપ્પાએ કહ્યુ, ‘બેટા, અત્યાર સુધીમાં 5 લાખ બચાવ્યા છે અને બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકે મુક્યા છે.’ નેત્રાએ કહ્યું, ‘પપ્પા, મારી ઈચ્છા છે કે એ બધી જ બચતમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવીને આ ગરીબો વચ્ચે વહેંચીએ જેથી એને ટેકો મળે.’ પિતાએ કહ્યું, ‘બેટા, એ રકમ તો તને કલેકટર બનાવવા માટે ભેગી કરી છે.’
13 વર્ષની આ દીકરી એના પિતાને જવાબ આપે છે કે ‘પપ્પા, કલેકટર બનીને મારે લોકોની સેવા જ કરવાની છે. સેવાનો આવો અવસર બીજો ક્યાં મળવાનો હતો. કલેકટર તો બનતા બનીશ પણ કલેક્ટરે જે કામ કરવાનું હોય એ કામ અત્યારે જ કરવું છે.’ સી.મોહનની આંખો દીકરીની આ વાત સાંભળીને ભીની થઇ ગઇ. ભવિષ્યનો બીજો કોઈ વિચાર કર્યા વગર બેંકમાંથી 5 લાખની બધી જ બચત ઉપાડીને તેમાંથી રાશન ખરીદી 600 પરિવારને મદદ કરી. લોકડાઉનમાં પિતાનું હેર કટિંગ સલૂન પણ 2 માસ બંધ હતું અને ઘરમાં બીજી કોઈ આવક નહોતી આવા સંજોગોમાં પણ પોતાના અભ્યાસ માટેની બધી જ બચત આ દીકરીએ અન્ય માટે વાપરી નાંખી.
નેત્રાના આ સેવા કાર્યની વાત છેક વડાપ્રધાનના કાન સુધી પહોંચી અને વડાપ્રધાને ‘મન કી બાત’ કાર્યક્રમમાં નેત્રાની આ હૃદયભાવનાને બિરદાવી. ત્યાંથી પણ આગળ વધીને આ વાત યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચી. સમગ્ર વિશ્વના તમામ દેશો જેના સભ્ય છે એવા યુનાઇટેડ નેશન્સે નેત્રાને યુનોના ન્યુયોર્ક ખાતેના અને જીનીવા ખાતેના એક કાર્યક્રમમાં પ્રવચન આપવા આમંત્રણ આપ્યું છે.
તમે જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈનું દુઃખ દૂર કરવાનું કામ કરો છો ત્યારે પરમાત્મા કોઈને કોઈ રૂપે તમારી સેવાનું ફળ તમને આપે જ છે. કદાચ હજુ કોઈ કલેકટરને યુનાઇટેડ નેશન્સમાં પ્રવચન માટેનું આમંત્રણ નહીં મળ્યું હોય પણ આ દીકરી કલેકટર ન હોવા છતાં યુનાઇટેડ નેશન્સમાં માત્ર 13 વર્ષની ઉંમરે પ્રવચન આપશે.