આપણા રાજકોટના 89 વર્ષના કાકુભાઈ પારેખ 20 વર્ષથી નિયમિત રીતે આ સેવા યજ્ઞ ચાલે છે…

આપણા રાજકોટના 89 વર્ષના કાકુભાઈ પારેખ 20 વર્ષથી નિયમિત રીતે આ સેવા યજ્ઞ ચાલે છે…
89 વર્ષના કાકુભાઈ પારેખ ટેલિફોન એક્સચેન્જના નિવૃત અધિકારી છે. આ ઉંમરે પણ આ માણસ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી બીજાને મદદ કરવાના પરમાર્થ કાર્યમાં રાત-દિવસ જોયા વગર કામ કરે છે.
વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જાગીને પોતાના ઘરથી 4 કિમી ચાલીને રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર મેયર બંગલાની સામે ઉકાળા કેન્દ્ર પર પહોંચી જાય. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોને વિનામૂલ્યે ઉકળાનું વિતરણ કરે. રાજકોટના કાંતિભાઈ વૈદ્ય ઉકાળાની બધી દેશી દવાઓના જાણકાર એટલે એમની સાથે મળીને વિનામૂલ્યે ઉકાળા કેન્દ્ર ચાલુ કરેલું જે કાંતિભાઈના અવસાન બાદ આજે પણ ચાલુ રાખ્યું છે. લગભગ 20 વર્ષથી નિયમિત રીતે આ સેવા યજ્ઞ ચાલે છે. ઉકાળા કેન્દ્ર પરથી સેવા પૂરી કરીને પાછા 4 કિમી ચાલી પોતાના ઘરે જાય.
બપોરે અને રાતે સિવિલ હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી જાય. દર્દીઓને જમાડવા, દર્દીઓના સગા માટે જમવાની વ્યવસ્થા કરવી, અજાણ્યા લોકોને દવા લાવી આપવી, જરૂરિયાતમંદ દર્દી માટે ફળોની વ્યવસ્થા કરવી આ બધું કામ કરીને બપોરે ત્રણ કલાક અને રાતે બે થી ત્રણ કલાક દર્દી નારાયણની સેવા કરે. આ સેવા છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી કરે છે.
સાંજે 4.30 વાગ્યે રાજકોટની કેન્સર હોસ્પિટલ પહોંચી જાય. કેન્સરના દર્દીઓને શેક આપ્યા બાદ બળતરા શાંત થાય એટલે કાકુભાઈ દર્દીઓ માટે આઈસ્ક્રીમ લઈ આવે અને દરેક દર્દીને આઈસ્ક્રીમ ખવડાવી એને ઠંડક કરાવે અને લાગણી સભર હૂંફ પૂરી પાડે.
89 વર્ષનો માણસ તો પથારીમાં પડ્યો રહે પણ કાકુભાઈ આ ઉંમરે વહેલી સવારથી મોડી રાત સુધી પર સેવા માટે પરસેવો પાડે છે. દીકરાઓ આર્થિક રીતે સુખી છે એટલે પોતાને મળતા પેન્શનની રકમ આવા જુદા જુદા સેવા કાર્યમાં ખર્ચી નાંખે છે.
નિવૃત્તિ બાદ 89 વર્ષની ઉંમરે પણ ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને બીજાને મદદ કરવા માટે સતત પ્રવૃત રહેતા આ કાકુભાઈ પારેખને વંદન.