ગામડાની મોજ : જો તમે 1965 થી 1995 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો.! સમજણ પડી કે…?

ગામડાની મોજ
મિત્રો,
આપણી પેઢી બે અંતિમો વચ્ચે જીવેલી પેઢી છે..!
જો તમે 1965 થી 1995 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો.! સમજણ પડી કે…?તો મને ખાતરી છે કે તમે આ લેખ પૂરેપૂરો વાંચશો જ…!
*આપણે તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાય ખાધી છે. આપણે દીવા ફાનસવાળો યુગ પણ જોયો છે તો અત્યારનો કોમ્પ્યુટર-મોબાઇલ વાળો સમય પણ માણ્યો છે.! આવો, નવરાં બેઠાં હળવાશથી એ જૂની યાદો તાજી કરીએ…..!
*આપણે દેશી નળિયાવાળા મકાનોની ઠંડક માણી છે તો હવે હાઇરાઇઝ બહુમાળી, લિફ્ટ,AC વિગેરે નો લહાવો પણ લીધો છે!
* થીગડાવાળા કપડા પણ પહેર્યાં છે તો હવે જિન્સ,ફેશનેબલ કપડા, શૂટ પહેરવાનો અનુભવ પણ કરી લીધો.!
*આપણે ગામડાની દેશી રમતો- ગિલ્લી દંડા, દોડપ, થાપો, ધમાલ ગોટો, આંધળો પાટો, લખોટી, કુંડાળા, મીની ઠેકામણી વિગેરે રમ્યા અને હવે ક્રિકેટ મેચની મજા પણ માણી,વિડીયો ગેમ પણ જોઇ લીધી…! ઓનલાઇન રમતો પણ રમી લીધી..!(ત્યારે આઉટડોર હતું, હવે લગભગ ઇન્ડોર…!)
* આપણે નદી-તળાવમા નાહવાની મજા લીધી અને વૉટર પાર્કનો અનુભવ પણ કરી લીધો..!
*આપણે સાઇકલના બે ડાંડિયા વચ્ચે પગ નાખી ભાડે સાયકલ પણ ચલાવી અને હવે પોતાનાં ટુ વ્હીલ, ફોરવ્હીલની મજા પણ માણી અને પ્લેનની મુસાફરીનો લ્હાવો પણ લીધો.!
*દીવા-ફાનસના અજવાળે લેશન કરતાં અને હવે LED લાઇટ તથા ચકાચોંધ રોશનીના અજવાળા પણ જોયા..!
* આપણે ગામડામાં ભજવાતી ભવાઇઓ ,કાન-ગોપી, ભજનો, નાટકો વિગેરેનો આનંદ માણ્યો, મદારીના ખેલ પણ જોયાં (એય જંબુરા, આવીજા…… કાળો કાઢું કે કાબરો…! યાદ છે?) , નટ નાં અંગ કસરતના કરતબો પણ જોયાં , નાટક મંડળી દ્વારા ભજવાતાં નાટકો પણ જોયેલા, રામલીલા ભજવતી મંડળીઓ પણ જોઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પણ જોઈ,તો હવે સ્માર્ટ ટી.વી.ના પડદા પર મનગમતાં કાર્યક્રમો, ફિલ્મો, સિરિયલ વિગેરે નો લ્હાવો પણ લઈએ છીએ..!
*આપણે રસ્તાં પર દુકાન ખોલીને રાડો પાડીને પ્રચાર કરતાં અને દાંત કાઢીને , ચોખટા બનાવી દેનાર અને દંતમંજન વેંચતા દેશી દંતડોકટરો પણ જોયાં, ફક્ત નાડી તપાસીને ફાકી કે ચૂર્ણ આપીને ઈલાજ કરનારાં દેશી વૈદ ની ફાકી પણ ખાધી અને હવે અત્યાધુનિક સુવિધાઓ થી સજજ હોસ્પિટલોમાં VIP સારવાર લઈને ખિસ્સું હળવું પણ કર્યું..!
* આપણે ગામડાની સરકારી શાળાનો લહાવો પણ લીધો, પાટી પેન થી એકડા ઘુંટેલ, દફતર એટલે સુતરાઉ કપડાની થેલી(એલ્યુમનિયમની પેટી તો સ્ટેટસ સિમ્બોલ ગણાતી…!),વર્ગ શિક્ષકને જોઈને ગલી માં સંતાઈ જતાં, કોઈ વખત અંગૂઠા પકડવા પડ્યા તો ક્યારેક સોટીનો સ્વાદ પણ માણ્યો ..! અને શહેરોની આધુનિક કોલેજોમાં Eng.med.ભણતરનો અનુભવ પણ કરી લીધો. અને છેલ્લે કોમ્પ્યુટરમાં હાથ પણ અજમાવી લીધો.! ઓનલાઇન રીપોર્ટીંગ પણ કર્યું..!
*આપણે ટપાલ, તાર સેવા નો સમય પણ જોયો, M.O.મોકલ્યાં અને છોડવ્યાં પણ ખરાં, ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરી ને વાત કરાવતાં, ડાયલ વાળા ફોન જોયા,STD PCO માં થી વાત કરવાનો રોમાંચ પણ અનુભવ્યો, થોડાં સમય માટે પેજર સેવા નો પણ અનુભવ કર્યો….. અને પછી આવ્યો મોબાઇલ યુગ…..! તો એમાં પણ પ્રાથમિક દરજ્જે Nokia વાળા- સાદા વજનવાળા ડબલાં… થી આજનાં આધુનિક એન્ડ્રોઇડ, સ્માર્ટ ફોન,Net.. Google…બસ,દુનિયા તમારાં હાથમાં…! બધુંય જોઈ લીધું.!
*આપણે ગામડામાં ગાડામા બેસી જાનમા જવાનો આનંદ પણ માણી લીધો, ક્યારેક ટ્રેકટર માં બેસીને પણ જાનો જોડાયેલ. લગ્ન પ્રસંગે યોજાતાં જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું (બુંગણ અને નાડું લઈને )અને રસ્તા પર મંડપો બંધાતા,તો જાન નાં ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેડીનો ઉપયોગ કરવામાં આવતો,( સમાજની વાડીઓ તો દરેક ગામમાં ના પણ હોય), ભોજન માટે પંગથમાં બેસાડીને પીરસાતું, પીરસનાર અને સપ્લાયરનાં લીસ્ટ તૈયાર થતાં,(એમાંય કોઈ રીસાતું….!) , બુફે તો હજુ બે દાયકાથી પ્રચલિત થયાં,લગ્ન પ્રસંગનાં કપડાં માટે તાકો લઈને ઘરે દરજી બેસાડીને સિલાઈ કામ કરાવાતું (સગાં ભાઈ- બહેનોની ઓળખ પણ એકસરખાં એક જ તાકામાંથી સિવેલ કપડાથી થઈ જતી..!), લગ્ન ગીતો બહેનો દ્વારા ગવાતાં,કોઈ પૈસાદાર કુટુંબની જાન જો બસમાં જતી તો વરનો બાપ કંકોત્રીમાં તા. ક.(તાજા કલમ) મરાવતો…:”જાન સ્પેશીયલ બસ માં સવારે…. વાગ્યે……. થી રવાના થશે.”(યાદ છે કોઈ ને? એ પણ સ્ટેટસ સિમ્બોલ …!) ….. અને હવે પાર્ટી પ્લોટ -રિસોર્ટ કલ્ચર માં અતિ આધુનિક સમયમાં પૈસાની રેલમછેલ વાળા, કેટરીંગ, બ્યુટી પાર્લર, શુટિંગ- ફોટોગ્રાફી, લાઈવ વિડિયો LED સ્ક્રીન, અતિ મોંઘા જમણવાર વિગેરે… વિગેરે..વાળા લગન પણ જોઇ લીધા.!
* આપણે માથે બેડુ લઇ ગામનાં પાદરે કુવે પાણી જતી પનીહારીઓનેય જોઇ અને નળમા પાણી ભરતી બાઇયુનેય જોઇ..!
*આપણે બળદથી થતી ખેતી પણ જોઇ , સાંતી, હળ, દંતાર, ગાડું પણ ચલાવ્યું અને હવે ટેકટર, હારવેસ્ટરથી થતી અતિ આધુનિક ખેતી, ઓટોમેટિક વાવણી, પિયત અને તમામ પ્રકારની સગવડ વાળી ખેતી પણ જોઇ.!
*શેરડીના વાવેતર અને ગોળ બનાવવા માટે કોલું , છોતાની ચમચી થી થળાનાં કાંઠે બેસીને ગરમ ગરમ તળ નો સ્વાદ પણ માણ્યો, આદું-લીંબુ વાળો ડોલ ભરીને રસ પણ પીધો તો આજે બરફ વાળો અડધો ગ્લાસ પીને પણ સંતોષ માની લીધો ..!
*આપણે ફળિયામાં ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોયાં, જાતે છાણ વાસીદા કરતી અને ગાયો- ભેંસો દોહતી બહેનો પણ જોઈ તો હવે આઘુનિકતાનાં રંગે રંગાઈને પશુપાલન વ્યવસાય પ્રત્યે સુગ પેદા કરીને ડેરીના પાઉચ પેકિંગમાં દૂધ છાસ લેતી માનુનીઓ પણ જોઈ..!
*આપણે ઢોરા ચારવાનો , બોરા વીણવાનો , ગામની ભાગોળે ડબલે જવાનો,બાવળના પૈઇડા,ખીજડાની સીંગો અને આંબલીનો કોર ખાવાનો આનંદ માણ્યો તો હવે રેડીમેડ પેકેટ, પીઝા, બર્ગર ખાવાનો અનુભવ પણ કરી લીધો.!
*આપણે તળાવની પાળે, નદી કાંઠે,કુવાના થાળે બેસી મફતમાં મોજ પણ માણી તો હવે સોસાયટીના નાકે બાકડે બેસવાનો અનુભવ પણ કરી લીધો..!
*કપાસના જીંડવા ચુસવાનો આનંદ પણ માણી લીધો અને ચૂઈંગ ગમ પણ ચુસી લીધી..!
*આપણે ધંટીએ (બે પડ વાળી હાથે ફેરવતી )અનાજ દળતી માવડીઓને જોઇ અને માથે દળણાની પેટી મુકી ઘંટીએ દળાવા જતી બાઇઓ પણ જોઇ. અને રેડીમેડ લોટ નાં પેકિંગ પણ જોયા..!
* નદી-તળાવ, કુવે કપડા ધોતી માતાઓને પણ જોઇ અને વૉશીંગ મશીનમા કપડા ધોતી બાઇઓને પણ જોઇ.
*આપણે ગોફણ , જોતર , છીંકલા , ખરપિયો , જીંહલુ , સલાખા , મોદ , બુંગણ , ગાડું ,ગાગર , બોઘણુ , ગોળી , સિંચણિયુ , ઇંઢોણી , હેલ , બુઝારુ , દોહણુ , કળશો , ફાનસ , સરૂડી , ચૂલો , તાવડી ,ડોલસુ , સંજવારી , વાસીદુ , સાંતી , ધોહરુ , રાંઢવુ જોયા- વાપર્યાં , પણ આજની પેઢીને તો આવા શબ્દો માત્ર ડિક્શનરી કે ચિત્રોમા જોવા મળશે..!
* આપણે જીવનમા ઘણી આફતો પણ જોઇ, જેવીકે…:
ભારત પાકિસ્તાન યુદ્ધ વખતેનો અંધારપટ, ઇન્દિરા ગાંધી વાળી “કટોકટી”,74 નું નવ નિર્માણ આંદોલન ,76 નું પુરહોનારત , દુષ્કાળ,સરકારી રાહત કામો માં પાવડો, કોદાળી, તગારા લઈને જતાં માણસો, ખોદાતી ચોકડીઓ, કેટલ કેમ્પ, 98 નું વાવાઝોડુ , સુરતનો પ્લેગ અને પુર હોનારત , 2001નો ધરતી કંપ , 2002 ના તોફાનો……..અને બાકી હતુ તો covid- 19 નું લોકડાઉન પણ જોયુ….!
કદાચ આ યુગની આપણી અંતિમ પેઢી હશે જેને એક ભવમા બે ભવનો અનુભવ લીધો હોય…!
મિત્રો, હું આધુનિકતા કે પરિવર્તનનો વિરોધી નથી પણ જૂનું પણ સોનું હતું એવી માન્યતા પણ સાચી હોવાનો મત ધરાવું છું. ત્યારે અછતમાં પણ આનંદ માણી શકતો, કંઈ નહોતું તો પણ “કડકડતી ભૂખ” અને “ઘસઘસાટ ઊંઘ” હતી, આજે બધું હોવાં છતાં “એ” ક્યાં…?
સમય બદલાયો છે…..!!
આજે ઘરમા બેઠા બેઠા જુની બે વાતો પરિવાર સાથે શેર જરૂર કરશો, એવી અપેક્ષા સાથે સાદર…આભાર.