એશિયાનું સૌથી ધનવાન ગામ છે ગુજરાતમાં, કરોડો નહીં અબજો રૂપિયાની છે સમૃદ્વિ, જાણો ક્યાં આવ્યું ?

જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે
ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાની સાંસ્કૃતિક ધરોહર માટે પ્રસિદ્ધ છે. હાલમાં જ કચ્છમાં રણ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તા.1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી 2016 સુધી ચાલનારા રણ ઉત્સવમાં દેશ-વિદેશના ઘણા પ્રવાસીઓ મુલાકાત લે છે. આ ઉત્સવથી લોકો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય છે.
પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરી રહ્યા છીએ જેનું સ્થાન દેશમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં આગવું છે.જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો? જી હા, ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાકીય સુવિધા ઘરાવે છે.
ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ ૩ કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસતી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ ગણવામાં આવે છે.એક સર્વે મુજબ આ ગામ પાસે 2200 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે. આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. આ ગામમાં ૧૫થી પણ વધુ બેન્કો આવેલી છે અને હજી પણ નવી બેન્કો અહીં પોતાની બૅન્કોની શાખાઓ ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેન્કો હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે. સર્વે મુજબ હાલ માધાપર ગામની તમામ બેન્કો પોસ્ટની ડિપોઝિટ મળી 2200 કરોડની થાપણો ધરાવે છે. આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે.
દરેક વ્યક્તિએ ડિપોઝિટ ૬ લાખ રૂપિયા
માધાપર ગામની વસ્તી 40 હજાર છે. આ રીતે દરેક વ્યક્તિએ ડિપોઝિટ ૬ લાખ રૂપિયા થાય છે અને ગામ ની વ્યક્તિદીઠ એવરેજ GDP 720000 રૂપિયા છે. આ ગામની આટલી સમૃદ્ધી પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપરવાસીઓ છે. માધાપર ગામના લગભગ પાંચેક હજારથી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રીસ મેઇન છે. મધ્ય આફ્રિકામાં કન્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો છે, જેમાં માધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે. ત્યાર બાદ, UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. આ રીતે વિદેશોમાં કમાયને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામ એનઆરઆઇનું સૌથી વધારે પૈસાદાર ગામ છે.
માધાપર ગામની બેન્કોમાં સ્થાનિક લોકો અને એનઆરઆઇનાં નાણાં મળીને ૨૨૦૦ કરોડ રૂપિયા પડ્યા છે જેને કારણે આ ગામમાં આર્થિક સમૃદ્ધિ આવી છે અને ગામ સમૃદ્ધ બન્યું છે. માધાપર ગામમાં આર્થિક સમૃદ્ધિને કારણે માટેભાગે ચારેબાજુ બંગલાઓ જ જોવા મળે છે. આ ગામમાં પાણી, સેનેટેશન, રોડ-રસ્તા વગેરે સુવિધા છે. ગામના બાળકોના અભ્યાસ અને સાર ભવિષ્ય અર્થે સરકારી શાળા સાથે પ્રાઇવેટ શાળા પણ છે.
ચરોતરના પેરિસ તરીકે ઓળખાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ગુજરાતનું બીજા નંબરનું સૌથી પૈસાદર ગામ છે. 11 હજારની વસ્તી ધરાવતા આ ગામની બેન્કોમાં લગભગ 1500 કરોડની ડિપોઝીટ છે અટલે કે દરેક વ્યક્તિ દીઠ 13 લાખ 63 હજારની થાપણ હોવાનું માની શકાય. ધર્મજ ગામમાં ICICI સહિતની પાંચ પ્રાઇવેટ બેન્ક અને નવ સરકારી બેન્કો મળી કુલ 14 બેન્કો છે. ધર્મજની સમૃદ્વિ પાછળ બે કારણો છે. એક તો વિદેશોમાં વસવાટ કરતા એનઆરઆઇ અને બીજું કારણ તમાકુનો કારોબાર. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની,ઇંગ્લેન્ડ, કેનેડા, સહિત વિદેશના મોટા ભાગના દેશોમાં ધર્મજના લોકો વસે છે. ભારત બહાર વસતા આ ગામના પરિવારની સંખ્યા ૪૦૦૦ જેટલી છે. આ ગામની તમાકુના કારોબારમાં ગામ આગળ પડતું છે. આ ગામ તમાકુમાંથી વાર્ષિક પાંચ કરોડ રૂપિયાની આવક મેળવે છે. વળી તમાકુ સાથે સંકળાયેલા છીકણી ઉદ્યોગનાં ચાર કારખાનાં ધર્મજમાં આવ્યાં છે.
ધર્મજ ગામના મોટાભાગના વતનીઓ વિદેશમાં વસવાટ કરતા હોવાને કારણે ગામની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો છે. આને લીધે ગામની પંચાયત પણ સમૃદ્ધ બની છે. પંચાયત પાસે 1.5 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે અને તેના વ્યાજમાંથી ગામને ઘણો ફાયદો થયો છે. ગામના બાળકોના સારા ભવિષ્ય માટે ગામમાં બાલમંદિરથી લઇ કોલેજ સુધીનું શિક્ષણ મળે છે. ગામની શાળામાં બાળકોને મધ્ય ભોજનની જેમ દૂધ અને નાસ્તો આપવામાં આવે છે.