‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી

‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
તમે કોઈ દિવસ બેઠા બેઠા ગૂગલ માં સર્ચ કરતા હો ત્યારે ક્યારેય પણ એવું બન્યું છે કે તમે કોઈના નામ ને બદલે એમના માટે વપરાતું વિશેષણ લખો અને છતાંય ગૂગલ પણ જાતે સમજીને એ જ વ્યક્તિવ વિશેના પાનાં ખોલે જેના માટે એ વિશેષણ વપરાતું હોય? ના કર્યું હોય તો કોઈ દિવસ ગુગલ માં ફક્ત અભિનય સમ્રાટ લખી જોજો અને પછી રિજલ્ટ જોજો કે કોનું આવે છે. ફક્ત અભિનય સમ્રાટ લખશો તો ગૂગલ પણ તમને શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી વિશે માહિતી આપશે. બહુ ઓછા વ્યક્તિત્વ એવા હોય છે કે જેમનું નામ પછી પણ એમના માટે વપરાતું વિશેષણ એમની આગળ કાયમી રહી જાય અને એવું જ એક અદકેરું વ્યક્તિત્વ એટલે આપણા ‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી. આજે એમની પુણ્યતિથિ પર એમને સાદર વંદન કર્યા વગર કેમ રહેવાય.
આ કોઈ નામ કે વ્યક્તિ નથી આ તો એક યુગ પ્રતિભા છે અને આ વ્યક્તિત્વ નો પ્રભાવ કદાચ એક આખા યુગ પર પડ્યો હશે એમ કહું તો પણ જરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળા’ નો માંગડાવાળો બનીને જેણે તલવારોના ઘા ઝીલ્યા છે, રાજા ભરથરી બનીને માળવાને ત્યાગી કરી દીધો છે તો વળી, રા’ નવઘણ બનીને ગીરનારનાં રખોપાં કર્યાં અને વળી માલવપતિ મુંજ બનીને લોકોના હૃદયમાં ‘રાજા’ તરીકે માન-પાન પામ્યા તેવા ગુજરાતી ફિલ્મના પાયાના પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા અને ગુજરાતની પ્રજાના લાડલા પ્રતિભાવાન વ્યક્તિ તે બીજું કોણ હોઈ શકે? એ મોભાદાર વ્યક્તિત્વ એટલે જ પદ્મશ્રી ‘અભિનય સમ્રાટ’ ડૉ. ઉપેન્દ્ર ત્રિવેદી. અભિનયની દુનિયાના ચક્રવર્તી સમ્રાટ એવા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી લગભગ ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનય ના અજવાળા પાથરી છવાયેલા રહ્યા હતા. જાણકાર લોકો તો તેમના ગાળાને ઉપેન્દ્ર ત્રિવેદી યુગ તરીકે ઓળખે છે.
ગુજરાતી ફિલ્મોએ જેમના અભિનયકાળ દરમિયાન સુવર્ણકાળ જોયો છે, તો તખ્તા પર તેમણે કરેલા અભિનયે જ તેમને અભિનય સમ્રાટનું બિરુદ અપાવ્યું છે. ૧૪ જુલાઈ ૧૯૩૬ ના રોજ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેરમાં ગુજરાતી પરિવાર માં જન્મેલ એક બાળક પાંચ વર્ષ ની ઉંમરે પોતાના વતન ઇડર તાલુકાના કુકડીયા ગામે ધૂળી શાળામાં પ્રવેશ કરે છે પરંતુ બે જ વર્ષ પછી ફરીથી ઉજ્જૈનની ગુજરાતી સમાજની પ્રાથમિક શાળા માં પરત ફરે છે અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની આદર્શ વિધાલયમાં પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ લેવા છેક મુંબઈ જાય છે. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’ માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. પિતા જેઠાલાલ ત્રિવેદી પણ રંગભૂમિ ના ખુબ સારા કલાકાર એટલે અભિનય વારસામાં જ મળ્યો હતો.
માત્ર ૧૭ વર્ષ ની કિશોર વયે મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમ માં શ્રી નંદકુમાર પાઠક લિખિત એકાંકી ‘કહ્યાગરો કંથ’ માં એક વૃદ્ધ વડીલ ની ભૂમિકા ઉત્તમ રીતે ભજવીને સૌની પ્રસંશા મેળવેલી. ઇન્ટરકોમર્સ માં ત્રણ વાર નાપાસ થયા પછી અભ્યાસ છોડી દેવા ની ઈચ્છા થયેલી કેમકે નાટક નો રંગ ચડતો જતો હતો પણ ઘર ના સભ્યો ની નારાજગીના કારણે તેમ કરી ના શક્યા. આજીવિકા માટે જુદી જુદી ફેક્ટરીઓ માં રાતપાળી ની નોકરી પણ કરી જેથી દિવસે નાટક ના રિહર્સલ કરી શકાય.
એ સમયે મુંબઈ માં ભારતીય વિદ્યાભવન દ્વારા ‘આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા’ યોજાતી જે આખા મુંબઈ માં ખુબ પ્રતિષ્ઠિત ગણાતી. એમનું એક જ સ્વપ્ન કે આ સ્પર્ધા માં વિજેતા થવું. અને ૧૯૫૭ માં માત્ર ૨૦ વર્ષ ની વયે અજિત પટેલ લિખિત એકાંકી ‘ભીતર ના વહેણ’ ભજવી શ્રેષ્ઠ અભિનેતા નું પારિતોષિક મેળવ્યું. અને પછી તો એમનું ‘પાવક ભષ્મ’ નાટક પણ વિજેતા થયું. અને ધીમે ધીમે ભવન્સ માં અંગ્રેજી, હિન્દી ગુજરાતી અને મરાઠી એમ ચારેય ભાષાની સ્પર્ધાઓમાં આ યુવા પ્રતિભા વિજેતા બની એક અદભુત નાટક ‘શાહજહાં’ દ્વારા ‘મુન્શી ટ્રોફી’ પણ મેળવે છે.
ધીમે ધીમે અભ્યાસ છોડવાના પોતાના નિર્ણય ને દ્રઢ બનાવી મુંબઈ માં જ ‘રંગભૂમિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામેટિક આર્ટસ’ માં પ્રવેશ મેળવી અભિનય ના વિવિધ પાસાઓ ની તાલીમ મેળવી ડિપ્લોમા થયા. મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦ માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા. મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં શિક્ષણ દરમિયાન જ એમને નાટકો દ્વારા રંગમંચ ગજવ્યો અને એ જ તખ્તા પર તેઓ ૭૫ જેટલા અનેક વિધ નાટકોમાં મુખ્ય પાત્રો ભજવીને ‘અભિનય સમ્રાટ’નું બિરુદ પામ્યા. તેમણે ગુજરાતી નાટક ‘અભિનય સમ્રાટ’ માં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખમાં, મેજર ચંદ્રકાન્ત, ધૂપસુગંધ, વેવિશાળ, એક સોનેરી સવાર, કથા તારી વ્યથા મારી, કંચન ભયો કથીર, સહકાર ના દિવા જેવા અનેક નાટકોમાં અભિનય કરી રંગભૂમિ ને ધબકતી કરી દીધી.
આજ અભિનયે તેમને ગુજરાતી ફિલ્મ ‘કાદુ મકરાણી’ માં નાનકડી ભૂમિકા અપાવી. એ નાનકડી ભૂમિકાને તેમણે અભિનયની એવી બુલંદી પર પહોંચાડી કે, ગુજરાતી ફિલ્મોના ૧૯૭૦- ૧૯૮૦ ના સુવર્ણકાળમાં તેઓ મોખરાના સ્થાને પહોંચ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી. તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેમનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું. જેસલ તોરલથી શરૂ થયેલી તેમની ગુજરાતી ફિલ્મોની સફરમાં એક તરફ કોંકણી અભિનેત્રી સ્નેહલત્તા અને બીજી તરફ રીટા ભાદુરી સાથેની ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ રસિકોમાં ધૂમ મચાવી હતી. બીજી તરફ તેમની મોટાભાગની ગુજરાતી ફિલ્મો સુગમ સંગીતના બાદશાહ શ્રી અવિનાશ વ્યાસનો સાથ મળ્યો.

gujarati actors
જેટલા પણ લોકો મને સારી રીતે જાણે છે એ બધા ને મારો રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો મારો વિશેષ લગાવ પણ ખબર જ હશે. હું જો આ અભિનય સમ્રાટની એક પછી એક હિટ ફિલ્મોના નામ યાદ કરું જે મેં પોતે જોયેલી તો આટલા નામ તો મને કડકડાટ યાદ આવે જેમ કે જેસલ તોરલ, મા બાપને ભુલશો નહીં, પાતળી પરમાર, ગરવો ગરાસિયો, વેરની વસુલાત, સુરજ ચંદ્રની સાખે, ભાદર તારા વહેતા પાણી, શેતલને કાંઠે, ઢોલી તારો ઢોલ વાગે, રાણક દેવી, મચ્છુ તારા વહેતા પાણી, ચુંદડીનો રંગ, ચુંદડી ઓઢી તારા નામની, કાદુ મકરાણી, સોરઠની પદમણી, સોન કંસારી, મહિયરની ચૂંદડી, નાગમતી નાગવાળો, હોથલ પદમણી, દાદાને વહાલી દિકરી, ભવ ભવના ભેરુ, કંકુ પગલા, માલવપતિ મુંજ, વીર માંગળાવાળો આવા તો કેટ કેટલા નામ હું લઉં. હજી કદાચ ઘણા નામ હું ભૂલી ગઇ હોઈશ. અમે નાના હતા ત્યારે અઠવાડિયા માં એક વાર આ ફિલ્મો દૂરદર્શન પર આવતી અને અમે બધા ગોઠવાઈ જતા. અને એમાંય મારી ફેવરિટ ‘માલવપતિ મુંજ’ એમનો અભિનય જોઈ મને લાગતું કે બસ માલવપતિ મુંજ આવો જ હશે. એ પાત્ર એમણે એટલી હદે આત્મસાત કરેલું કે એ પાત્ર માટે એમના સિવાય કોઈ ની કલ્પના પણ ના કરી શકો.
તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામનું એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા. તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું ‘માનવીની ભવાઈ’, ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે. તેમણે મનુભાઈ પંચોળીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું. તેમણે ૧૯૯૯માં ચલચિત્ર મા બાપને ભુલશો નહી માં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય પણ કરેલો.
તેમને ‘માનવીની ભવાઇ’ ફિલ્મના નિર્માણ બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૯૨ માં રંગમંચલક્ષી કલાક્ષેત્રે ઉત્તમ કર્યા કરવા બદલ રાજ્ય સરકાર નો ‘પં. ઓમકારનાથ ઠાકુર’ એવોર્ડ પણ એનાયત થયો હતો. તો વળી ૨૦૦૩ માં ગુજરાત સરકાર દ્વારા અપાતો બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ગૌરવ પુરસ્કાર’ અને ટ્રાન્સ મીડિયા એવોર્ડ તથા ૨૦૦૪ માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને ફિલ્મી દુનિયાનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘દાદા સાહેબ ફાળકે’ પણ એમના ખાતે જમા છે. એવા તો કેટકેટલા એવોર્ડ્સ ના હું નામ લઉં.
અભિનય ને આત્મસાત કરનાર આ કલાકર મુંબઈ રેડિયો સ્ટેશન પર નાટ્ય વિભાગના વડા તરીકે પણ નિમણુંક પામેલા પણ કેન્દ્ર સરકાર નો નિયમ હતો કે સરકારમાં નોકરી કરતા કર્મચારી અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ ના લઇ શકે. અને એમની તો રગેરગમાં નાટ્યરસ વણાઈ ગયેલો એટલે ૧૯૬૯ માં કેન્દ્ર સરકારની આ પ્રતિષ્ઠિત નોકરી છોડી રંગભૂમિ જ પસંદ કરી. રંગમંચની કલાને જીવંત રાખવા સજ્જ થયા. આજ વર્ષે તેમણે એમનું અવિસ્મરણીય નાટક ‘અભિનય સમ્રાટ’ નું નિર્માણ, લેખન, દિગ્દર્શન અને ૭ જુદા જુદા પાત્રોનો અભિનય કરી ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી.
ફિલ્મી સુવર્ણકાળ દરમિયાન તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. એમણે ૧૯૮૦ માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’ નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ સાંસ્કૃતિક બાબતો અને પંચાયત વિભાગના રાજ્યકક્ષાના પ્રધાનપદ અને વિધાનસભાના ઉપાધ્યક્ષના પદે પણ રહ્યા હતા. કલા, સાહિત્ય સંસ્કૃતિ કે રાજકારણ કોઈ પણ વિષય પર એ અસ્ખલિત વાણી માં બોલી શકે એમણે બોલતા સાંભળવા એ પણ એક લ્હાવો ગણાતો.
એમના કાર્યકાળ દરમ્યાન અભિનેતા, લેખક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે જુદા-જુદા સમયે તેમને ૧૩ થી પણ વધારે એવોર્ડ્સ થી સન્માનવામાં આવ્યા હતા. પણ સૌથી વિશેષ કોઈ એવોર્ડ જો એમણે મેળવ્યો હોય તો એ છે ગુજરાતી પ્રજાનો અવિસ્મરણીય પ્રેમ અને આદર. દેહ, માન અને પ્રતિભા એમ ત્રણેય પ્રકારનું અપ્રતિમ સૌંદર્ય ધરાવતા આ બેજોડ કલાકાર ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના મહાનાયક અને અભિનયના ચક્રવર્તી સમ્રાટ તરીકે લોકો ના હૃદય માં સદાય જીવંત રહેશે..!!