નવા શહેરમાં આગમન – ભાગ-3 ભૂતકાળની યાદો

Sharing post

નવા શહેરમાં આગમન – ભાગ-3 ભૂતકાળની યાદો

કાવ્યા દેવને ઉતારીને હોટેલ ગ્રાન્ડ ભગવતી પહોંચી. પોતાની કાર પાર્ક કરીને તે કેફેમાં બૂક કરેલા ટેબલ પર જઈને બેઠી. બેઠા બેઠા તે પોતાનું લેપટોપ ટેબલ પર મૂકીને પોતાનું પ્રેઝન્ટેશન જોવા લાગી. એટલામાં સૂટ બુટમાં તૈયાર બે આશરે પચાસ વર્ષના માણસો તેના ટેબલ આગળ આવે છે. ઉંમર પચાસ વર્ષ હશે, પણ તેમની ચાલવાની ઢબ, ડ્રેસિંગ સેન્સ અને એટીટ્યુડ આજકાલના યંગસ્ટર્સને પણ શરમાવી દે તેવો હતો. એમની ચાલમાં એક રુઆબ દેખાતો હતો.

“હાય, યુ મસ્ટ બી કાવ્યા, રાઈટ? આઈ એમ રઘુવીર રાઠોડ.”

“યસ, યસ. હેલો.” કાવ્યાએ આવકારતા કહ્યું.

“મીટ મિસ્ટર રાજદીપ રાઠોડ.” રઘુવીરે બીજા માણસનું ઇન્ટ્રોડક્શન આપ્યું.

“અમે તમારા વિશે ઘણું સાંભળ્યું છે, તમે અમદાવાદમાં ઘણીબધી ઇવેન્ટ્સ ખૂબ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી છે. અને એટલે જ અમે તમને આના માટે વાત કરવા બોલાવ્યા છે. ઇમ્પ્રેસિવ વર્ક આઇ મસ્ટ સે.” રાજદીપે કાવ્યાના કામનાં વખાણ કરતા કહ્યું.

“સી કાવ્યા, હું સીધી જ વાત કરીશ. મારા સન અને રાજદીપની ડોટર એટલે કે અમારા છોકરાઓના મેરેજ છે. અમારી વર્ષો જુની દોસ્તીને અમે એક સ્ટેપ આગળ લઈજવા ઇચ્છીએ છે. એક દોસ્તમાંથી બિઝનેસ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનરમાંથી હવે અમે એક ફેમિલી થઈ જવા જઈ રહ્યા છે. મારે આ લગ્ન એકદમ ધામધૂમથી કરાવાના છે અને એનું ફંક્શન એટલું જોરદાર હોવું જોઈએ કે આખા સુરત શહેરમાં તેની ચર્ચા થાય. આફ્ટરઓલ વી આર રાઠોડ્સ. આનાથી અમારા બિઝનેસમાં પણ અમને નફો થાય.” રઘુવીરે રાજદીપનો હાથ પોતાના હાથમાં પકડીને કાવ્યાની સામે જોઇને કહ્યું.

“ઓકે,સર. હું સમજી ગઈ. તમારું બજેટ કેટલાનું હશે એન્ડ તમને આમાંથી અમારું કયું પેકેજ…” કાવ્યાએ પોતાનું લેપટોપ તેમને બતાવતા કહ્યું.

“બજેટનું કોઈ ટેનશન નઈ લો તમે. જેટલા પણ થાય એટલા. ત્રીસ લાખ, ચાળીસ લાખ. મારે ફંક્શન એકદમ હાઈફાઈ જોઈએ. ચારે બાજુ રાઠોડસના નામની જ ચર્ચાઓ થવી જોઈએ. ન્યૂઝપેપર, સોસીયલ મીડિયા, ટેલિવિઝન મીડિયા આ બધામાં ખાલી એક જ નામ હોવું જોઈએ, રઘુવીર અને રાજદીપ રાઠોડ. આ તમારા માટે પણ એક મોટો ચાન્સ છે નામ બનાવવાનો. બીજા ઘણા લોકો આવી ગયા આ ઇવેન્ટ માટે પણ અમને તમારું જ કામ પસંદ પડ્યું છે, તમારા ઇવેન્ટના વિડિઓ અમે યુટ્યુબ ઉપર જોયા છે.” રઘુવીરે પોતાની મોટાઈ બતાવતા કહ્યું.

“ઓકે સર. એકવાર બ્રાઇડ અને ગ્રુમ ને મળીને આ બધા વિશે ચર્ચા કરી લેતે તો….આફ્ટરઓલ મેરેજ તો એમને જ કરવાના છે ને. તેમની શું ડિમાન્ડ છે, તેમને કેવું અરેન્જમેન્ટ્સ ગમશે, ફંકશનમાં શું થીમ રાખવી, ડ્રેસકોડ શું રાખવો, આ બધાની એકવાર મળીને ચર્ચા કરી લઈએ તો મારા માટે કામ થોડું સરળ થઈ જાય.” કાવ્યાએ કહ્યું.

“મેરેજ ભલે એમને કરવાના છે પણ પૈસા તો અમારે જ આપવાના છે ને એટલે અમે જે કહીશું એ જ એમના માટે ફાઇનલ. એમ પણ અમારા બાળકો અમે કહીએ એમ જ કરે છે. એમને શું ગમશે અને શું અરેન્જ કરવાનું છે એ બધી ડિટેલ્સ હું તમને પહોંચાડી દઈશ.” કહીને રઘુવીર રાજદીપ સામે હસતા હસતા જોવા માંડે છે.

કાવ્યાને થોડું અજીબ લાગે છે પણ તે વાત માની લે છે.
“ઓકે,સર. તો હું ડીલ ડન સમજું?” કાવ્યાએ કંઈ ન સુજતા પૂછ્યું.

“ઓહ યસ યસ, ડીલ ડન. પણ એક વાતનું ધ્યાન રાખજો રાઠોડ્સની શાન ને આંચ ના આવવી જોઈએ. ફંકશનમાં મારે કોઈ વસ્તુની કમી ના જોઈએ.આશા રાખું છું તમે મને ફરિયાદનો મોકો નહીં આપો.” રઘુવીરે હાથ લંબાવતા ચેતવણીભર્યા સૂર માં કહ્યું.

“સ્યોર, સર.” કાવ્યાએ હસતા હસતા હાથ મિલાવ્યો.

“તમે નસીબદાર છો, છોકરી હોવા છતાં આ ડીલ તમને મળી છે.” રાજદીપે મમરો મુકતા કહ્યું.

“સોરી?” કાવ્યાએ અણગમાનાં ભાવ સાથે કહ્યું.

“એટલે એમ કે આટલી મોટી જવાબદારી એક છોકરીને આપતા વિચારવું પડે ને. તમે એક છોકરી થઈને આટલી દોડધામ ક્યાંથી કરી શકવાના, કામ માટે રાતે ઘરની બહાર રહેવાનું અને આ બધી અરેંજમેન્ટ્સ માટે દોડાદોડ, કરી શકો છો તમે? અમારા ઘરમાં તો છોકરીઓ કે સ્ત્રીઓ બહારનું કામ કરી જ ના શકે. એમનું એક જ કામ છે ઘર સાંભળવાનું અને અમે જેમ કહીએ તેમજ કરવાનું. ઘરની બહાર એમ પગ જ કેવી રીતે મૂકી શકે અમને પૂછ્યા વગર. હું તો તૈયાર જ નહોતો કે એક છોકરીને આટલી મોટી જવાબદારી આપવી. આ તો રઘુવીરના કહેવાથી તમને આપ્યું છે. તમારા પેરેન્ટ્સ તમને છૂટ આપે છે આટલી બધી આમ રાતો સુધી બહાર ફર્યા કરવાની અને આવા પુરુષોના કામ કરવાની?” રાજદીપે ઘમંડમાં કહ્યું.

કાવ્યાને મનમાં હાલ જ એક લાફો મારી દેવાની ઈચ્છા થઈ પરંતુ તેણે કંટ્રોલ કરી લીધો. “કેમ તમારું એવું માનવું છે કે એક છોકરી ઓર એક સ્ત્રી આ બધું કામ ના કરી શકે? ખાલી પુરુષો જ આ કામ કરી શકે? એક સ્ત્રી નવ મહિના પોતાના સંતાનને પેટમાં રાખે છે,એનાથી મોટી જવાબદારી શુ હોય? જ્યારે પુરુષ ઘરની બહાર કામ કરતો હોય છે ત્યારે આખા ઘરનું ધ્યાન રાખવું, સૌના માટે જમવાનું બનાવવાનું, પોતાના નાના બાળકોને રાખવા,પોતાના સાસુ સસરાનું ધ્યાન રાખવાનું અને જો વર્કિંગ વુમન હોય તો પોતાનું ઘર પણ સાચવવાનું અને કામ પણ કરવાનું. આ બધી જવાબદારીઓ આટલા વર્ષોથી ભારતની સ્ત્રીઓ ખૂબજ સારી રીતે નિભાવતી આવી છે. એ બધાની સામે આ ઇવેન્ટની દોડધામ તો એક નાનકડી જવાબદારી કહેવાય. અને રહ્યો સવાલ પુરુષોના કામ કરવાની તો એવા પણ પતિ છે આપણા દેશમાં કે પોતાની પત્નીના કરિયર માટે ઘર સાંભળે, ખાવાનું બનાવે. અને તોપણ તમને એવું લાગતું હોય કે એક છોકરી આ જવાબદારી નહીં નિભાવી શકે તો વેલ, એનો જવાબ તમારી સામે જ બેઠો છે. હું પોતે. અત્યાર સુધીમાં કેટલીયે સક્સેસફુલ ઇવેન્ટ્સ આ છોકરી કરી ચુકી છે, અને એ પણ એકપણ કંપ્લેન વગર.” કાવ્યાએ હસતા હસતા જવાબ આપ્યો.

રાજદીપ છોભિલો પડી ગયો. તેને શું બોલવું કંઈ સુજ્યું નહીં.
“ઓકે, ધેન. આજથી 15 દિવસ પછી મેરેજ છે. આ લો લગ્નનું કાર્ડ. દરેક ફંક્શનમાં જે સૌથી બેસ્ટ હોય એવો ઇન્તેજામ કરજો. બાકીની ડિટેલ્સ તમને મારો પી.એ. ફોન કરીને આપી દેશે. મારે મિટિંગ છે. નાઇસ ટુ મીટ યુ કાવ્યા. બાય” રઘુવીરે ઉભા થતા કહ્યુ

કાવ્યાએ મનમાં થયું કે આટલા ટૂંકા સમયમાં કેવી રીતે બધું મેનેજ થશે. પણ બીજી બાજુ તે આ મોકો ગુમાવવા નથી માંગતી.
“થેન્ક યુ, સર.” કાવ્યાએ જવાબ આપ્યો.
“અજીબ લોકો છે, પોતાના છોકરાઓના લગ્ન છે અને તેમને સાથે પણ લઈને નથી આવ્યા. તેમની મરજીનું શુ અરેન્જમેન્ટ કરવું એ પણ એમના પેરેન્ટ્સ નક્કી કરશે. જોઈને જ લાગે છે કે પોતાનું જ ધાર્યું કરાવતા હશે. આટલું બધું ડોમીનેટ કોણ કરે આજના જમાનામાં. હશે ભાઈ, મોટા લોકોની મોટી વાતો, મારે શું! મારે ખાલી મારું કામ કરવાનું છે.” કાવ્યાએ મનમાં વિચાર્યું.

બંને જણા ત્યાંથી જતા રહ્યા પરંતુ કાવ્યા ત્યાં જ બેસી રહી.
તેને અંદરથી ખૂબ ગુસ્સો આવ્યો કે આજના જમાનામાં પણ આવા લોકો છે જે હજી સુધી સ્ત્રીઓની કદર નથી કરતા, તેમને પુરુષોથી ઓછી આંકે છે. આવા લોકો ખાલી બહારથી ખોટી શાખ બતાવવા માટે બધું કરતા હોય છે. તેને રાજદીપની ડોટર માટે ખૂબ ખરાબ લાગે છે. “ગોડ બ્લેસ ધેટ ગર્લ.ખબર નહીં બિચારી કેમની રહેતી હશે આવા લોકો વચ્ચે!” કાવ્યાએ નિસાસો નાખતા લેપટોપ બેગમાં મુકતા કહ્યું.

“ઓહ શીટ, 12 વાગી ગયા. મારે દેવને પીક કરવાનો છે.” ઉતાવળમાં તે ત્યાંથી ઉભી થઈ અને ફટાફટ કારમાં બેસી ગઈ.

કાવ્યા દેવને લેવા પહોંચી જાય છે અને દેવ કારનો દરવાજો ખોલીને અંદર બેસે છે. તે ચૂપચાપ 2 મિનિટ બેસી રહે છે અને પોતાનો પરસેવો લૂછે છે. કાવ્યા તેને જોઈ રહે છે અને ગાડી ચલાવાનું ચાલુ રાખે છે.

“શુ થયું? કેમ આટલો ચિંતામાં લાગે છે? મને તો એમ હતું કે મને જોઈને તું જાણવા માટે ઉત્સાહિત હોઈશ કે શું થયું.” કાવ્યાએ જાણવા માટે પૂછ્યું.

“આજે મેં એને જોયો.” દેવે કાવ્યની વાત કાપીને ચિંતાભર્યા અવાજમાં કહ્યું.

“કોણ? તે કોને જોયો દેવ?” કાવ્યાએ સામો સવાલ કર્યો.

“લવ.” દેવે જવાબ આપ્યો.

“કોણ લવ? તું કેવી રીતે ઓળખે છે એને? અને આટલો બધો ચિંતામાં કેમ લાગે છે? પ્રોગ્રામમાં કંઈ થયું નથી ને?” કાવ્યાએ પ્રશ્નોનો મારો શરૂ કર્યો.

દેવે કંઈ જવાબ ના આપ્યો. બસ ચૂપચાપ બારીની બહાર જોઈ રહ્યો.
“દેવ, આર યુ ઓલરાઈટ? શું થયું? જવાબ તો આપ.”કાવ્યાએ દેવનો હાથ પકડતા કહ્યું.

“તું ઘરે ચાલ, હું બધું જ કહું છું તને.” દેવે સામે જવાબ આપ્યો.

એટલામાં બંને જણા ઘરે પહોંચી જાય છે. કાવ્યાએ ઘરનું લોક ખોલ્યું અને તેની પાછળ દેવ પોતાના વિચારોમાં મગ્ન ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં પ્રવેશીને દેવ આકુળવ્યાકુળ થઈને આંટા મારવા લાગ્યો.

“લે, પાણી પી પહેલા. અને પછી બોલ શું થયું આજે.” કાવ્યાએ પાણીનો ગ્લાસ ધરતા કહ્યું.

દેવે પાણીના બે ઘૂંટડા પીધા અને ગ્લાસ બાજુમાં મુકતા કહ્યું,”આજે મેં લવને જોયો.”

“હા, એ મેં સાંભળ્યું પણ કોણ છે એ માણસ કે જેને લઈને તું આટલો બધો બેબાકળો થઈ ગયો છે? પહેલા તું શાંત થા અને બેસ શાંતિથી.” કાવ્યાએ કહ્યું.

“એક મિનિટ.” કહીને દેવ અચાનક ઉતાવળમાં ઉભો થયો અને બીજા રૂમમાંથી પેલું ફોટોગ્રાફ્સવાળું કવર લઈને પાછો આવ્યો.

“જે વસ્તુથી હું આટલા વર્ષો દૂર ભાગતો હતો, જે માણસનું મોઢું હું ફરી જોવા નહોતો માંગતો એ જ માણસને આજે મેં મારી સામે ફરી જોયો અને ભુતકાળના એ તમામ ઘાવ મારા તાજા થઈ ગયા.” દેવે કહ્યું.

“મતલબ? તું શું કહે છે કાંઈ સમજણ નથી પડતી.” કાવ્યાને કંઈ સમજણ ના પડી.

“આજે તને તારા બધા જ સવાલોના જવાબો મળી જશે, જેના માટે તું આટલા સમયથી પ્રયત્નો કરી રહી હતી.” દેવે કાવ્યાની આંખોમાં જોઈને કહ્યું.

દેવ કાવ્યાને કવર બતાવે છે જેની ઉપર લખ્યું હોય છે દિલ. ” આ ફોટોગ્રાફ્સ એ લોકોના છે, જેમની સાથે મેં મારા જીવનનો સૌથી બેસ્ટ ટાઈમ વિતાવ્યો છે અને આ જ વસ્તુ મને અત્યારે જોઈને મારા જુના જખ્મોને જીવંત કરી રહ્યા છે, અત્યારે એટલું જ દુઃખ આપી રહ્યા છે. કહેવાય છે ને કે દોસ્તી જેટલી ઘાઢ, એના જખ્મો પણ એટલા જ ઊંડા હોય છે.” દેવે કવર ઉપર હાથ ફેરવતા કહ્યું.

“એવું તો શું થયું જેના લીધે આ બધી વસ્તુ તને આટલું બધું દુઃખી કરી રહી છે?” કાવ્યાએ કુતૂહલતાથી પૂછ્યું.

દેવે કવારમાંથી એક ફોટો કાઢ્યો. “આ છું હું, આ છે લવ અને આ છે ઈશુ એટલેકે ઇશીતા.” ફોટો ઉપર હાથ ફેરવતા દેવે કહ્યું.
“તને ખબર છે આ કવરની ઉપર દિલ કેમ લખ્યું છે? દિલ એટલે ડી-આઈ-એલ. દેવ-ઈશુ-લવ. અમારા ગ્રુપનું નામ હતું દિલ: અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ. આ નામ ઈશુએ પાડ્યું હતું. એક સમય હતો જ્યારે લોકો અમારી દોસ્તીના ઉદાહરણ આપતા હતા.” દેવે સ્માઈલ કરતા કરતા કહ્યું.

“અત્યારે ક્યાં છે એ બંને? તે ક્યારેય એમના વિશે મને કીધું નથી. તે આજે લવને જોયો તો પછી એને મળવું જોઈએને તારે!” કાવ્યાએ દેવ સામે જોઇને તેને કહ્યું.

“એટલું આસાન નથી. એ બંનેએ મારી સાથે જે કર્યું એના પછી વાત કરવા માટે કંઈ બચ્યું જ નથી. તારે જાણવું જ છે ને તો ધ્યાનથી સાંભળ.” દેવ કોલેજના દિવસોની યાદોમાં ખોવાઈ ગયો.

******************************
ભૂતકાળમાં એવું તો શું થયું હોય છે જેના લીધે દેવ બંનેમાંથી એકપણ નું મોઢું પણ જોવા નથી માંગતો? શું દેવ ફરીથી એ બંનેને મળી શકશે? આ બધું જાણ્યા પછી કાવ્યાનું રિએક્શન શું હશે? તે જાણવા માટે વાંચો આગળનો ભાગ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!