farmer and ox stories – માલિકને જોઈને બળદની આંખ માંથી આંસુ સરી પડ્યા

Sharing post
farmer and ox stories

farmer and ox stories

ખેડૂત મિત્રો એક ર્હુદયસ્પર્શી સંવાદ

બળદ બોલ્યો..

આપને જણાવું છું.

એક રેઢિયાળ બળદને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો..

પોતાના માલિકને જોઈને બળદની આંખ માંથી આંસુ સરી પડ્યા…

હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો….

અને દબાતે અવાજે પુછ્યું…. કેમ છે ભેરૂબંધ……!

ઘરે..બધા કેમ છે….? છોકરા શું કરે છે…?

આ વાત સાંભળીને ખેડુત માલિક મુંજાણો…

બ..બ..ધા મજામાં છે ને ?

..આટલું તો માંડ માંડ બોલી શક્યો…

બળદે કહ્યું કે મારા મિત્ર. તું મુંજાતો નહિ…ચાલ્યા રાખે..

જેવા મારા નસીબ…

પણ જે દિવસે તું મને દૌરી ને અહીં અજાણી અને અંતરીયાળ જગ્યા એ મને મૂકીને હાલતો થયો હતો ને…

ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે તે સાંજે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોટયો હતો અને બીજું એ કે ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી…

હવે તું ખાલી મારો મિત્ર જ છો એટલે આજે મારે તારી સાથે બે વાતું કરવી છે

મિત્ર ..તેં સાંજે તારે ઘરે વાત થાતી કે હવે આ બળદ ને ક્યાંક મોકળો મૂકી આવવો છે…

બસ આ સાંભળીને મને આખી રાત નીંદર નહોતી આવી…

મને બહુ દુઃખ થયું કે આ આંગણે મારી આ આખરી રાત …હવે આ ઘરે મારા અન્નજળ પુરા થયા….

હું સવાર થવાની રાહ જોતો રહ્યો..અને વહેલી સવારે તું મને દૌરડે બાંધી ને હાલ્યો ત્યારે મારે એક એક ડગલું ભવના ફેરા જેવુ લાગતું હતું.

અરે…ભલા માણસ..૧૫ ધર(ખેડ)નો આપણો નાતો…

તું આમ અચાનક કાં ભૂલી ગયો મારા વાલીડા..?

ખેડુત બોલ્યો..એવું નથી..પણ દુકાળ છે અને..ચારા ની તંગી જેવું છે એટલે મિત્ર..

બળદે કહ્યું..અરે મારા મિત્ર ચારા ની તંગી છે..?

કે… હું હવે તારા કામનો નથી રહ્યો..?

ભલા ભેરૂડા….તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે..

અરે.. એની ઓગાહ (એંઠવાડ)ખાઈ અને પાણી પિયને હું મારા દિવસો કાઢી નાંખત..

મિત્ર બીજું તો ઠીક પણ તને યાદ છે…!

તારે નળીયા વાળા મકાન હતા,તારી પરિસ્થિતિ સારી નહોતી,ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ,
જેથી કરીને મારા માલીક ને સારી ઉપજ અને વધુ વળતર મળે,
તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી,

તારા ખેતરડા ખેડયા,પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા,

મેં દિવસ રાત એક કરી દીધા હતા,
પછી કાળીયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા,
મોટરસાઇકલ અને કાર આવી ગયી બધું સારુ થયી ગયું,

હું તારા પરિવાર અને બાળકો ને સુખી અને ખુશ જોયને હું બહુ હરખાતો હતો..

પણ જે દિવસે તારે ઘરે મીની ટ્રેકટર આવ્યું….

બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે….

મારા મિત્ર…સાચું કહું….તો ? ભેરૂ….હું બહુ દુઃખી છું…

પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણાં (લાકડી) લઈને દૌટ મૂકે છે,

અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે,

કોઈક તો વળી છુટા પાણાં ઉપાડી ને ફેંકે છે,

આ દર દર ની ઠોકરો ખાઈ ખાઈ ને હવે હું થાકી ગયો છું,

મને આ જાતું જીવતર બહુ અઘરું લાગે છે,

અરે…ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો,

આ મારી કાયા ઘડપણે ઘેરાણી છે,
અને હવે આમેય મારે જાજુ જીવવાના અભરખા પણ નથી..

હવે જેવા મારા ભાગ્ય..

પણ મિત્ર હવે મારુ એક છેલ્લું કામ કરજે..

તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલો છે ને…

એ ખીલાને તું ઉખાડી નાંખજે કારણ કે કો’ક દિવસ એ મારા વાળા ખીલે તું ભેંસોને બાંધીને લીલા ચારાના અને ખોળ કપાસીયાના ભોજન જમાંડિશ ને તો મારા આત્માને મુવે પણ શાંતિ નહિ મળે…..

બીજું ખાસ એ કે તારા છોકરાંઓ ને મારી સાથે મજાક મસ્તી કરવના,
મને ટીંગાઈને વળગીને રમવાના હેવા(આદત)હતા તો છોકરાંવ ને ખાસ કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા(કોશિષ)ના કરે કારણ કે મારી “માં અને ભેંસની માં”ના સંસ્કારોમાં બહુ જ ફેર છે..ક્યાંક લગાડી ના દયે એનું ધ્યાન રાખજો…

ઘરે જઈને બધા ને મારી યાદી આપજે અને છોકરાંવ અને ઘરડા માં નું ધ્યાન રાખજે અને કહેજે કે આપણો ઇ બળદ મળ્યો હતો,અને બહુ જ ખુશ અને ખુબ મજામાં હતો

મિત્ર…બીજું તો ઠીક પણ આ”રેઢિયાળ” નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે

ભેરૂબંધ તેં ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને..!.
તો મને..અફસોસ ના થાત…

આમ અંતરિયાળ નું મારૂ મરણ…વ્હાલા મને વહમું બહુ લાગશે…

બળદની આંખ માંથી દ્ડ દ્ડ આંસુડા વહેવા લાગ્યા..

હવે છેલ્લુ મારુ એક કામ કરી દે…
મારા મોઢામાં તારો પહેરાવેલો આ મોરડો(દોરડું)છે ને એ ઉતારી લે.!

મિત્ર..આ તારો પહેરાવેલો “મોરડો” મને મરણ ટાંણે બહુ મુંજવશે…

હું….આ ખેડુત અને બળદની વાતો સાંભળતો હતો..

તો મેં બળદ ને કહ્યું કે અહીં થી 5 કિમી દુર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ તો ત્યાં ચારા-પાણીની સગવડ મળી જશે..

બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું..

ખોટી ચિંતા ના કરો..હવે મારો મલક ભર્યો છે..
હું છું અને મારી ઝીંદગી છે….એમ કહી ને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી… નજર કરી અને જીવ્યા મુવાના જાજા થી જુહાર કહીને પોતાના જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે ડગ મગ ડગલે હાલી નીકળ્યો…

આવા ઉપકારી જીવાત્માને આ રીતે જતા જોયો અને મારો જીવ બળીને રાખ થઈ ગયો…

મારી લાચારી મારો બોજ બની ગયી..!

જેનું ખેડેલું ખાધું એના ગુણને ભુલી જનારાઓના આત્માને પ્રભુ શાંતિ અર્પે

નોંધ-આજે રોડ ઉપર આ રીતે બળદોને રઝળતા જોયા અને બસ આ લખવાનું મન થયું

“હેં માનવ તું જરાક માણસ જેવો થા’જે”….

આ લેખ મેં મારા પંથકની તળપદી ભાષામાં લખ્યો છે..ક્યાંક કોઈ ક્ષતી રહી ગઈ હોય તો ક્ષમાં ચાહું છું…!

આ લેખ મને એક ખેડૂત પાસેથી મળ્યો , મેં પોતે નથી લખ્યો.બાકી બધું કોપી પેસ્ટ કર્યું છે. સઘળી મહેનત કોઈ બીજાની છે.

હિતેન્દ્ર પટેલ 🙏

Like and share our Facebook Page

https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!